દુર્ગમ આદિવાસી વિસ્તારમાં ક્રિકેટની પાઠશાલા..!!

દક્ષિણ ગુજરાતમાં કલમની મહેરબાનીથી ઘાટ ઘાટના પાણી પીવાનો મારો વારો આવ્યો.ઘણા દુર્ગમ વિસ્તારોમાં ગરીબાઈને કારણે બે ટંક રોટલા ખાવાનો વારો આવતો હોય છે.આવા વિસ્તારોમાં નિષ્કામ સેવા કરનારા ભડવીરો કોઈપણ પ્રસિદ્ધિ વગર કામ કરતા હોવાથી મારે જવાનું થાય તો મારી કલમ અચૂક જ ઉપડે.
  આવી સેવા કરનારા લોકો પર માંડવીના જીતેન્દ્રસિંહ પરમાર ની સાથે અતૂટ નાતો ખરો.આવી જ એક ઘટના બની.વાત ઓક્ટોબર-૨૦૧૩ની છે. શહેરની જાહોજલાલી છોડી ગામમાં આવીને વસેલા ગિરેન શાહની ખેતર ક્રિકેટ એકેડેમીએ આદિવાસી ગામ રૂપણ નાં આદિવાસી માસુમ બાળકોના જીવનમાં અજવાળું પાથરી દીધું.મારે તેમના ઘરે જવાનું થયું ગિરેનભાઈ સજીવ ખેતી સાથે જોડાયેલા હોવાથી મને કહ્યું કે બસ થોડા ભજીયા ખાઈએ. મેં તેમને હસતા મોઢે કહ્યું કે કંઈક ભજીયા ઓર્ગેનિક તો નથીને..!! ગિરેનભાઈ તરત જ કહ્યું કે ના રે ના,ભજીયાનો લોટ દુકાને થી લાવીએ એ ક્યાં ઓર્ગેનિક હોય..!!
      માંડવી તાલુકાના ઝંખવાવ રોડ પર રૂપણ ગામ. સીમાડે જ એક વાંસની કામડી અને માટીની દીવાલની સાથે નળિયાંવાળું મકાન જોવા મળે. આજુબાજુના ખેતરમાં ઘટાદાર આંબાની કલમો સહિતનાં વૃક્ષો અને ચોમાસામાં ડાંગરનો પાક. બહારથી કંઈ ખાસ ન લાગતી આ જગ્યા પછાત આદિવાસી પરિવારનાં છોકરાઓ અને છોકરીઆની ક્રિકેટ એકેડેમી છે.ગામડાંની ધરાભૂમિ પર ખેતીના પાક સાથે ક્રિકેટર ઉગાડવાનો ઉદ્યમ કરતા ગિરેન શાહ પોતે કોઇ મોટા ક્રિકેટર ન હોવા છતાં કોઇની પણ આર્થિક મદદ વિના પોતાનું ગાંઠનું ગોપીચંદ ખોઈને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન સાથે સંકળાઇને દેશની સૌથી વધુ પ્રચલિત રમતનો ગ્રામીણ કક્કો ઘૂંટી રહ્યાં છે.  ગિરેન શાહ રૂપણ ગામે એવાં બાળકોને તૈયાર કરી રહ્યા છે જેમણે કદી શહેર નથી જોયું, કદી ટ્રેનમાં નથી બેઠાં, જેમના ઘરે સચીનની છેલ્લી ઈનિંગ જોવા માટે ટીવી સેટ પણ નથી. સુખ અને સુવિધા જેમના માટે સ્વર્ગ જેવી ઘટના બનતી હોય છે તેવાં બાળકોને તૈયાર કરવાં કઠિન કામ છે પણ ગિરેન શાહ તે એવી હોંશથી કરે છે કે જોતાં જ દંગ રહી જવાય.આદિભૂમિ પર તેમની ક્રિકેટની ખેતી સો ટચની સાચી નીવડી છે અને ગુજરાત અન્ડર-૧૯ ટીમમાં નબળા પરિવારની ત્રણ છોકરી તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ અન્ડર-૧૯ ટીમમાં આ એકેડેમીનાં છોકરાં ધૂમ મચાવી રહ્યાં છે.
   ગિરેનભાઈ શાહ કોણ છે એ જાણવાની તલાવેલી મારી હતી.આમ તો માતૃપ્રધાન આદિવાસી સંસ્કૃતિમાં સૌથી મોટો સંબંધ મામાનો ગણાય છે. ગિરેનભાઇ શાહના પોતાના વ્યક્તિત્વ પર નજર મારીએ તો એક સમયે મુંબઇ તેમજ અમદાવાદમાં કપાસના વેપારમાં જાણીતા અને ધનાઢ્ય પરિવારના સાકળચંદ નગીનદાસની પેઢીના સુબોધચંદ્ર તેમજ ભાનુમતી શાહના ઘરે જન્મ થયો. આમ તો જન્મથી ધનાઢય હોવાથી શ્રીમંતાઇ જોઈ હતી. અભ્યાસ મુંબઇની સેન્ટ ઝેવિયર્સ અને અમદાવાદની સહજાનંદ કોલેજમાં કર્યો હતો. ૧૯૮૩માં અમદાવાદની આઇઆઇએમમાંથી છ મહિનાનો મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કોર્સ પણ કર્યો હતો. ૧૯૭૭માં પિતાનું અકાળે મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. વેપાર અને પરિવાર સંયુક્ત હોવાથી થોડો સમય પિતાના વ્યવસાયમાં કામ કર્યું હતું. તેમાં પણ ગિરેનભાઇનું મન લાગતું ન હતું. એ સમયે વાંચનમાં વિનોબા તથા ગાંધીજીનાં પુસ્તકો વાંચ્યા બાદ તેમના વિચાર બદલાયા.ગિરેનભાઈ જાહોજલાલીવાળું જીવન છોડીને સાદગી તરફ વળ્યાં.ભૂતકાળને વાગોળતાં તેઓ કહે કે " ૧૯૮૨માં નિવૃત્ત થઈ જવાનું નક્કી કર્યું ત્યારે પરિવારમાં જાણે સોપો પડી ગયો હોય એમ બધાં કહેવા લાગ્યા કે ગાંડો થઇ ગયો છે ? જો કે હું મક્ક્મ હતો. ૧૯૮૩માં સત્યના પ્રયોગો વાંચ્યા બાદ ખાદી અપનાવી લીધી. એ સમયે ઘરમાં ગાડી હતી અને જાહોજલાલી હતી, એ બધું જ છોડી દીધું. કોઇનું કે સમાજનું કલ્યાણ કરી નાંખવાનો પણ કોઈ ઈરાદો ન હતો પણ વિનોબાને વાંચ્યા બાદ એવો નિર્ધાર કર્યો કે ગામડાંમાં જઇને ખેતી કરવી." ગિરેનભાઈના પરિવારમાં માતા ભાનુમતીબહેન તેમજ બહેન ચિત્રા અમેરિકાના એટલાન્ટામાંં રહે છે. તમામ માયા છોડીને તેઓ અમદાવાદથી માંડવીમાં આવ્યા. અહીં તેમને સ્વાતંત્ર્યસેનાની રામચંદ્ર ઉપાધ્યાયની મદદ મળી અને ૧૮૮૫માં રૂપણમાં જમીન લીધી અને ખેતીની શરૂઆત કરી દીધી.ગિરેનભાઈએ બજારથી દૂર રહીને પોતાની જરૂરિયાત ઘટાડવાનું અને શક્ય હોય તે તમામ વસ્તુઓ જાતે જ પકવવાનું શરૂ કર્યું છે. ગિરેન શાહ કહે છે કે "અમદાવાદ માતાને છોડીને રૂપણમાં વસવાટ કર્યો ત્યારે એક સામાન્ય ઘર બનાવેલું જે લાંબું ટકી ન શક્યું એટલે ૧૯૯૩માં વાંસ અને માટીનું ઘર સ્થાનિક લોકોની ડિઝાઇન પ્રમાણે બનાવ્યું હતુું. આ ઘર સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી છે. પાંચ એકરની જમીનમાં આંબા, જમરૂખ, જાંબુ, નાળિયેર, વાંસ અને સાગ સહિત ૮૦૦થી વધુ વૃક્ષો ઉછેર્યાં છે. પહેલાં ગાય અને બળદની પણ સમજણ ન હતી હવે ઢોરનું વાસીદું પણ કરું છું." ખેતીની સાથે આજુબાજુનાં બાળકોને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી શીખવતા ગિરેન શાહે છ આદિવાસી બાળકોને એમના વિકાસ માટે લગભગ દત્તક લીધાં છે. કાયદાની ભાષામાં જેને દત્તક કહી શકાય એવી રીતે નહીં, બાળકો ફુલટાઇમ ગિરેનભાઇના ઘરમાં રહે છે અને માંડવી ભણવા જાય છે. આ બાળકો ગિરેન શાહની પાસે કામ કરતા લોકોનાં છે.
આ ખેતર, ક્રિકેટ એકેડેમીનો ક્યારે પ્રયોગ થયો. જે બાબતે ગિરેનભાઇ કહે છે કે, " પાંચેક વર્ષ પહેલાં અજય ચૌધરી અને તેની બહેન સુરાલી મારા ઘરે રહીને ભણવા આવ્યાં હતાં. એ લોકો ગજબની સ્ફૂર્તિ સાથે ઝાડ પર ચઢી જતાં હતાં. એમની ફિટનેસ જોઇને મને લાગ્યું કે એમને યોગ્ય દિશા આપવી જોઇએ. દિશાની શોધમાં મને ક્રિકેટનું સૂઝ્યું. ક્રિકેટમાં મને પણ રસ હતો. પહેલાં અજય રમતો હતો. પછી પ્રકાશ ચૌધરી અને ધર્મેશ ચૌધરી જોડાયા. છોકરીઓમાં અંજના અને કૃતિકા ચૌધરી રમવા આવી. પાંચ વર્ષમાં આ એકેડેમીમાં આજ સુધીમાં લગભગ ૪૦૦થી વધુ છોકરાં આવીને જતાં રહ્યાં હશે. કેટલાંક ટકી ગયાં, જે આજે પણ રમે છે. અનાયાસે શરૂ થયેલી ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ આજે રાજ્યની ટીમ સુધી પહોંચ્યાં છે. ગુજરાત અન્ડર-૧૯ મહિલા ટીમમાં પ્રજ્ઞા ચૌધરી, અંજના ચૌધરી અને રેણુકા ચૌધરી રમી ચૂક્યાં છે. પ્રજ્ઞા ચૌધરી તો અન્ડર-૧૯ મહિલા ટીમની વાઇસ કેપ્ટન પણ બની છે. સુરતના વડીલ ક્રિકેટ કોચ બશીર ગોલંદાજે અમારા છોકરાઓની ક્રિકેટની રમત સુધારવામાં ખૂબ જ મદદ કરી છે."
     ગિરેન શાહ કહે , પોતાના ખર્ચે તથા જોખમે બાળકો સાથે કામ કરવાનો આનંદ આવે છે. મેં જ્યારે પારિવારિક વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી ત્યારે મારે ભાગે આવેલી સંપત્તિનું મેં યોગ્ય રોકાણ કરેલું એમાંથી જે આવક આવે છે તેનાથી કામ ચાલે છે. મેં મારી અંગત જરૂરિયાત ઘટાડી છે એટલે કોઈ બોજ રહેતો નથી. પહેલાં મારી માની જવાબદારી હતી, હવે કંઇ નથી. બહેન અમેરિકામાં રહે છે એટલે તેની પણ વિશેષ જવાબદારી નથી. હું નિરાંતે મને ગમતું કામ કરી શકું છું."સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનનો સહયોગ પણ મળી રહ્યો છે પણ સાથે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન વધુ મદદરૂપ થાય તો બાળકોને વધારે સારી રીતે તૈયાર કરી શકાય.
    સંદેશ અખબારના તા-૩૦મી ઓક્ટોબર ૨૦૧૩ના રોજ  અર્ધ સાપ્તાહિકમાં મે આર્ટિકલ લખ્યો. ગિરેનભાઈની કામ કરવાની ધગશ જોતા ક્રિકેટ એકેડેમીમાં દીકરીએ તેમના પરિવાર માટે પણ સહારો બન્યો છે.ગિરેન શાહે તૈયાર કરેલી મહિલા ક્રિકેટર પ્રજ્ઞા ચૌધરીના પિતા માનસિંગ ચૌધરી ટૂંકી ખેતી પાંચ દીકરા અને પાંચ દીકરીઓને કારણે તેમના ભરણ-પોષણ માટે સક્ષમ ન હતા. વળી, રત્નકલાકારની નોકરીમાં પણ મંદી આવી હતી. અન્ડર-૧૯માં ગુજરાત મહિલા ક્રિકેટમાં સિલેક્ટ થયા બાદ મળેલી ૫૧ હજારની મસમોટી રકમથી આજે માનસિંગના ખેતરમાં ટયુબવેલ લાગી છે. ક્રિકેટની મહેનતના પૈસાથી જમીન હરિયાળી બની છે. એ જ પ્રમાણે માંડવી તાલુકાના બળતલ ગામની ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતી રેણુકા ચૌધરીએ ગુજરાત અન્ડર-૧૯ મહિલા ક્રિકેટ રમીને તેમાંથી મળેલા પૈસામાંથી પોતાના પરિવાર માટે ઘરનું ઘર બનાવ્યું છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માતૃત્વનો નિર્દોષભાવ

  માતૃત્વનો નિર્દોષભાવ ________________ નોખી છે આ છબી.., તેજથી ઝળકતું હોય એમ પ્રતિચ્છાયા છે નેત્ર જળ સમાન, પરમાર્થની પ્રાર્થના લઇ ...