દીકરી અને પિતાનો સંબંધ જેટલો લખાયો છે એનાં કરતા વધારે જીવંત બન્યો છે.દીકરી એટલે અધિકાર એને માટે બાપ ગરીબ કે શ્રીમંત નથી હોતો.એને માટે પિતા હક કરવાની છેલ્લી અને સૌથી પહેલી વ્યક્તિ છે.દીકરીને જોઇતી વસ્તુઓનું લીસ્ટ ક્યારેય પુરૂ થતું જ નથી.પિતાના ખિસ્સા હોય નહી તો પણ દીકરીની વસ્તુ લાવવા માટે પૈસા આવી જાય છે.પિતાની ઉદાસી જેને સૌથી પહેલી ખબર પડે છે એજ દીકરી છે. દીકરી પિતા આગળ હસે એવું નિર્દોષ હાસ્ય જગતમાં બીજે ક્યાંય જોવા મળતું નથી.
દીકરીને પિતાને પટાવવાની આવડત એનામાં જન્મજાત ઊગી હોય છે. એ કોઇની મહોતાજ નથી જ્યાં સુધી એના પિતાનો એને સંગાથ છે.સંઘર્ષનું સત્ય એણે પિતાના જીવનમાં જોયું હોય છે અને એને એ પણ ખબર છે કે પિતાએ સંઘર્ષને એમના પૂરતો સીમીત રાખ્યો છે. ક્યારેય કુટુંબ પર આવવા દિધો નથી.પિતાને દીકરીની ખુશીઓની ખબર નથી. દીકરીને પિતાના આનંદની ખબર છે.
આ સંબંધ દરેક સંબંધોમાં જીવતર બની છે.દીકરીને બધું જ આપી દીધા પછી ખાલી થઇ ગયેલા પિતા પાસે હજુ પણ કંઇક ને કઇક તો આપવાનું નિકળશે જ. દીકરીનો બાપ દરિયાદિલ –વજ્ર જેવો કઠોર અને વાસ્તવિક્તાને તરત સમજનારો હોય છે. અને દીકરી બિન્દાસ્ત, તોફાની, વસ્તુઓની કશી જ ન પ઼ડી હોય એની, દીકરી પિતાને હારવા નથી દેતી.
બંનેના સંવાદમાં બદલાયેલી ભાષા અને જનરેશન ગેપ વચ્ચે કયારેય નથી આવતો.જમાના સાથે ચાલવાનું કહેતી દીકરીને પિતા જમાનાના મૂલ્યોની વાત સમજાવે છે. વાત બંનેની સાચી છે અને બંને જણા થોડીકવાર મુંગા થઇને પાછા બીજી કોઇ વાત પર ચડભડ કરે છે. દીકરી સાસરે જાય છે પિતાની આદતોને સાથે લઇને જાય છે. આ વાતની જાણ દીકરીને અને સાસરાના ઘરના અરીસાને હોય છે. નાની નાની પગલીઓથી આજે વિરાટ પગલાં ભરતી દીકરીઓને જોઇને જે એવાને એવા જ જીવે છે એ પિતા છે.દીકરી બધું જ જાણે છે. ધારે તો પિતાને સુધારી શકે છે. બાળપણમાં પિતાએ દીકરીને સ્વતંત્રતા આપી હતી હવે દીકરી પિતાને સ્વતંત્રતા આપે છે. પિતા એ છે જે દીકરી વિદાય પછી એકલો ન પડી જાય માટે આનંદ આવે કે ન આવે પણ પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહે છે. પિતાનો દરેક બાબતમાં સ્વીકારવું થઇ જવાનો સ્વભાવ દીકરી માટે લગન પછી આદત બની જાય છે. દીકરીઓને કશું જ શીખવાડવું પડતુ હોતુ નથી. દરેક પિતા માટે એની દીકરી થોડીક ડોબી, થોડીક લુચ્ચી અને સહુથી વધુ વ્હાલી હોય છે.દરેક પિતાની ફરિયાદ પણ હોય છે કે મારી દીકરી હજુ મેચ્યોર નથી થઇ.હંમેશા ભૂલો કાઢ્યા જ કરે છે. દીકરીનું પણ સામે એવું જ હોય છે.
આદતોને સ્વીકાર કરવા માટેનું સ્થળ એ પીયર. પપ્પાના સ્વભાવને વાતે વાતે વારે વારે અમલમાં મૂકવાનું સ્થળ તે સાસરૂં,. જ્યાં સંબંધ, સ્વભાવ, આદત, જીંદગી કશું જ કામ ન આવે અને તો પણ દીકરીને પિતા અને પિતાને દીકરી યાદ આવે એ અન્નજળ. ક્યારેય ખાલીપો કે ક્યારેય સુકાઇ ન જાય તેવું જળ. “પપ્પા ઘરે બરાબર ઉંઘે તો છેને?” દીકરીની તબિયત બરાબર છેને? બંને પાત્રોને ઊંઘ ચિંતા હોય ત્યારે જ સંબંધમાં પવિત્રતા છે.

